રામાયણ, મહાભારત, ભગવદ્ગીતા જેવા ગ્રંથો જે આજથી પાંચ - દસ હજાર વર્ષો પહેલા રચવામાં આવ્યા છે. જેમાંથી આજના વર્તમાન સમયમાં પણ મનુષ્ય જીવનનો સર્વાંગી વિકાસ થાય અને તેનું વ્યક્તિમત્વ પરિપૂર્ણ બને તે માટે તેનું આધ્યાત્મિક અને વ્યવહારિક જીવન પણ શ્રેષ્ઠ સદ્ગુણો અને સર્વોચ્ચ નૈતિક ધોરણોથી વિભૂષિત બને તે માટે વાર-તહેવારે અને દેશ-કાળ- સંજોગો પ્રમાણે યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા અને સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. દુનિયાનો એક પણ એવો પ્રશ્ન નથી જેનું નિરાકરણ આ ગ્રંથોના માધ્યમથી ન થાય. વિદુરનીતિ પણ આમાંનું જ એક શાસ્ત્ર છે. વિદુરનીતિમાં વ્યવહાર, વર્તાવ, નીતિ, સદાચાર, ધર્મ, સુખ-દુઃખ પ્રાપ્તિના સાધનો, ત્યાગવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ગુણો તથા કર્મનો નિર્ણય, ત્યાગનો મહિમા, ન્યાયનું સ્વરૂપ, સત્ય, પરોપકાર, ક્ષમા, અહિંસા, મિત્રના લક્ષણો, કૃતઘ્નીની દુર્દશા, નિર્લોભિતા, રાજધર્મ વગેરેનું વિગતવાર સુંદર વર્ણન કરવામાં આવેલું છે. વિદુરનીતિ સુખી જીવન જીવવા માંગતા દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે.