શ્રીમદ્ ભગવદ્ગીતા સમગ્ર માનવજાતિના શ્રેયાર્થે સ્વયં અનાદિ, અનંત શ્રીકૃષ્ણ પરમાત્માના શ્રીમુખેથી પ્રગટ થયેલું સનાતન તત્ત્વજ્ઞાન છે. તે તત્ત્વજ્ઞાનના મહાસાગરનું અતિ ગહન મંથન કરી ત્રણેક વર્ષની જહેમત પછી તત્ત્વના ઊંડા અભ્યાસુ લેખકશ્રીએ આ પુસ્તકમાં જ્ઞાનામૃતરૂપી કળશ પ્રવાહિત કર્યો છે. પ્રત્યેક શ્લોકનો શબ્દાર્થ અને તત્ત્વાર્થ સમજવામાં સાવ સહજ, સરળ, મૌલિક ભાષામાં અને તેના યથાર્થરૂપમાં નિરૂપ્યો છે. સમગ્ર પુસ્તકના વાચન પછી નિઃસંદેહ કહી શકાય કે લેખકશ્રીએ ગીતાના ગહન તત્ત્વને આત્મસાત્ કર્યા પછી આ પુસ્તકનું સર્જન કર્યું છે. આ પુસ્તક વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ અધ્યાત્મનો અણમોલ ખજાનો સાબિત થશે અને માનવજીવનને ઊર્ધ્વગામી તેમજ સાર્થક કરવામાં આશીર્વાદરૂપ નીવડશે.